જાણો…સમજો…અને અજમાવો. તમારા ભાગ્યને સુધારવાનું બળ છે રત્નોમાં…!!!
ગ્રહબાધાઓ દૂર કરવા અને ઉન્નતિના શિખર પર બિરાજવા માટે ઉત્તમ રત્ન ધારણ કરવું જોઈએ. ક્યારેક રત્ન ધારણ કરવા છતાં સફળતા ન મળે તો એનો અર્થ એ નથી કે ધારણ કરેલું રત્ન ખોટું છે, દોષપૂર્ણ છે, પૂજાવિધિ બરાબર થઈ નથી વગેરે, પરંતુ શાસ્ત્ર સુસંગત રત્ન ધારણ કરવામાં આવે તો રત્નસિદ્ધિ અવશ્ય મળે છે. વિધિવિધાન બદલાતું નથી, પરંતુ રત્નોમાં ભાગ્યને સુધારવાનું બળ છે.
- મુશ્કેલીઓ અને કષ્ટોમાંથી બહાર નીકળવા માટે જ્યોતિષમાં અનેક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય રત્નધારણનો છે. જે તે ગ્રહને પ્રસન્ન કરવાનો હોય કે કોઈ ગ્રહના પૂરતા વાઈબ્રેશન ન મળતા હોય ત્યારે જે તે ગ્રહનું નંગ ધારણ કરવાથી ફાયદો થાય છે. જીવનના કેટલાંક પ્રશ્નોનું નિવારણ પણ રત્નો દ્વારા થઈ શકે છે.
👉જ્યોતિષમાં અનેક ઉપાયોમાં સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય રત્નધારણનો છે
👉જે તે ગ્રહનું નંગ ધારણ કરવાથી જીવનના કેટલાંક પ્રશ્નોનું નિવારણ થઈ શકે છે
👉કોઈ ગ્રહના વાઈબ્રેશન વ્યક્તિને મળતા ન હોય ત્યારે જે તે ગ્રહનું નંગ પહેરવાથી લાભ થાય છે
- કુડળીમાં બે ગ્રહની યુતિ હોય એક ગ્રહ પ્રચંડ હોય ત્યારે તેની સાથે યુતિમાં આવેલા અન્ય ગ્રહ ઘણી વખત દબાઈ જાય છે અને તેના વાઈબ્રેશન વ્યક્તિને મળતા નથી. તેથી તે ગ્રહના કારકતત્વને લઈને વ્યક્તિને મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. કુંડળીમાં સૂર્ય -શુક્ર યુતિ હોય તો સૂર્ય પ્રચંડ ગ્રહ છે તેની અસર નીચે શુક્ર દબાઈ જાય છે. બીજા અર્થમાં કહીએ તો સૂર્યના કિરણો હેઠળ શુક્રના કિરણો દબાઈ જાય છે. વ્યક્તિ ને શુક્ર ગ્રહનું ફળ મળતું નથી. આ પરિસ્થિતિમાં વ્યક્તિ શુક્રના કારક તત્વને લગતી તકલીફો ભોગવે છે. આવા કિસ્સામાં જો શુક્રનું નંગ ધારણ કરવામાં આવે તો વ્યક્તિને લાભ થાય છે.
રત્નોના પ્રકાર
ખનિજ રત્નો
હીરો, માણેક, પન્ના, નીલમ, પોખરાજ, ગોમેદ, લસણિયો.
જૈવિક રત્નો
પરવાળું અને મોતી.
નવરત્નો
મોતી, માણેક, પ્રવાલ, હીરો, પન્ના, નીલમ, પોખરાજ, ગોમેદ અને વૈદૂર્ય (લસણિયો) છે. માનવજીવન ઉપર યંત્ર, મંત્ર, ઔષધી, રુદ્રાક્ષ અને રત્નોની સમાન રીતે અસર થાય છે. રત્નો ધારણ કરવાનું સરળ છે. જેનાથી જીવનમાં સુખ અને શાંતિ મળે છે.
રત્નો અને ઉપરત્નોની માહિતી
- રાહુ અને કેતુને છાયાગ્રહો ગણવામાં આવ્યા છે. તોફાની ચાલ ચાલનારા આ ગ્રહોનાં ગોમેદ અને લસણિયું રત્ન ધારણ કરવાં. ઘણા જ્યોતિષીઓ નવગ્રહની વીંટીનો અનુરોધ કરે છે. શક્ય હોય ત્યાં સુધી નવગ્રહની વીંટી ધારણ ન કરવી. છતાંય જો ધારણ કરવાની સલાહ હોય તો એ શાસ્ત્રોક્ત રીતે વિધિવત્ પૂજા કરીને ધારણ કરી શકો છો. એ માફકસર આવે તો લાભ થાય. પરિણામો વ્યક્તિ પ્રમાણે, કર્મ પ્રમાણે આધારિત હોય છે.
- તમામ ગ્રહોને ભેગા કરીને લાભ મેળવવાનું કામ અઘરું અને કર્મ આધારિત જરૃર છે, પરંતુ વિધિવત્ ધારણ કરવાથી દરેક ગ્રહોનાં કિરણો કેન્દ્રિત થઈ શરીરમાં પ્રવેશી લાભ ગેરલાભ કરી શકે છે. તે જાણવું જરૃરી છે.
રત્નોને શુદ્ધ કરવાની કે પહેરવાની પદ્ધતિ
- રત્નોને ગૌમૂત્ર કે ગંગાજળથી શુદ્ધ કરીને શુદ્ધ જળથી ધોઈ લેવું. ત્યારબાદ રત્નને દૂધથી સ્નાન કરાવવું. પછી લૂછીને અત્તર છાંટવું અને અક્ષત (તૂટેલા ન હોય એવા) ચોખામાં રાખીને એક દિવસ બાદ જાપ કરીને જે તે ગ્રહના દિવસે શુભ સમયમાં ધારણ કરવું.
રત્નો રંકને રાજા અને રાજાને મહારાજાધિરાજા બનાવે છે
- “રત્નમોહ” રત્નમય બનાવે છે, રત્નાકરમાં સ્નાન કરાવે છે અને એના મોહપાશમાં જકડી રાખે છે અને રત્નવિભૂતિ બનાવી દે છે, રત્નપ્રતિભા કોને ના ગમે? રત્નપ્રભાવ કોને ના પ્રભાવિત કરે? રત્નોનાં રશ્મિ કોને ના પ્રભાવિત કરે? રત્નોનાં રશ્મિ ગ્રહ સાથે સીધો સંબંધ બનાવી શરીરમાં પ્રવેશ આપી જરૂરિયાતો પૂરી પાડે છે. રંક-રાજા અને પ્રજા સૌને ઘેલું લગાડનાર રત્નોની ચમક-દમકથી વિશ્વમાં ભાગ્યે જ કોઈ બચ્યું હોય. સાધુ-સંતો પણ નહીં. વ્યક્તિત્વનાં ગુણધર્મો પ્રમાણે, સ્વભાવ પ્રમાણે અને વર્તન પ્રમાણે વ્યક્તિત્વ ઘડાય છે. ચહેરાથી ગુસ્સે રહેનારો ઓળખાઈ જાય છે. નરમદિલ અને શાંત પણ સમજી શકાય છે. ઉતાવળિયો ધીરો અને ધીરગંભીર પણ જાણી શકાય છે. ઉદ્ધત-વિનયી ઓળખવો અઘરો નથી. તોફાની અને વ્યવસ્થિત વ્યક્તિ તુરત ખબર પડે છે, એ જ પ્રમાણે ગ્રહોની પ્રકૃત્તિ પણ હોય છે. ગરમ, તોફાની, વ્યવહારકુશળ, વ્યપારી, મોભાદાર, કલ્પનાશીલ પ્રકૃતિ ધરાવનારા ગ્રહોને અનુરૂપ તેમનાં પ્રતીક રત્નો ધારણ કરીએ તો ફાયદો થાય. સુખ, શાંતિ મળે. આરોગ્યપ્રધાન, અર્થપૂર્ણ, અર્થપ્રધાન, ભક્તિપ્રધાન, ગ્રહો અને જન્મસમયે ગ્રહોની આકાશી પરિસ્થિતિ પ્રમાણે થતી શુભ-અશુભ યુતિને કારણે બનતાં અનિષ્ટ દોષો અને નકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને રત્નો ધારણ કરવાં જોઈએ. જીવનના કેટલાક મહત્ત્વના તબક્કાઓ છે. જેમકે, અભ્યાસ, લગ્નજીવન, વ્યવસાયિક જીવન, પારિવારિક સંબંધો, સ્વાસ્થ્ય, આર્થિક બાબતો તેમજ જીવનમાં બનતી ચોક્કસ ઘટનાઓ દરમ્યાન યોગ્ય રત્ન ગ્રહણ કરવાં જોઇએ. ગ્રહદશા મુજબ નિષ્ણાત જ્યોતિષીનું માર્ગદર્શન લઇને એ વિવિધ તબક્કે રત્નો ધારણ કરીએ તો રત્ન પરિણામ આપે છે અને ખૂબ લાભ કરાવે છે. કોઇ વ્યક્તિને કોઇ ચોક્કસ રત્ન ગમતું હોય કે એ રત્નનો નંગ ગમતો હોય તો એ પહેરવા ન મંડાય. એના માટે ગ્રહદશા તેમજ કુંડળી જોવી પડે અને પછી જ યોગ્ય રત્ન ગ્રહણ કરી શકાય.
રત્નો માટે ખાસ જાણવા જેવી બાબતો
૧. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગ્રહનું રત્ન પહેરી ના શકે.
૨. યોગ્ય ગ્રહનું રત્ન પણ યોગ્ય રીતે પહેરવું જરુરી છે.
૩. કુંડળીમાં ગ્રહોની ઉચ્ચ પરિસ્થિતિ હોય તો ખરાબ અનુભવ કદાચ ના થાય પરંતુ જે ગ્રહોને કુદરતે જ કરોડો માઈલ દૂર રાખ્યા છે એમને એક આંગળી પર ધારણ કરતી વખતે તકેદારી રાખવી જરુરી છે.
૪. રત્નોની જાણકારી ના હોય તો મેળવી લેવી જોઈએ. રત્નજાણકારની સલાહ લેવી જરૂરી છે. રત્નોમાંથી વીંટી-લોકેટ બનાવી વિભૂષિત કરીને પહેરી લેવી અને મંત્રઉચ્ચાર નિયમિત કરવા તથા અન્ય સુસંગત બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.
૫. નવી કે સૌથી ખર્ચાળ કારને ખરાબ ડ્રાઈવર એક્સિડન્ટ કરાવી શકે છે એમ ગમે તેટલું મોંઘું નંગ પણ જો ખોટી રીતે પહેરી લેવાયું હોય તો એ ગ્રહ બાજી ઊંધી કરી શકે છે. દા. ત. કોહીનૂર હીરો જ્યાં જ્યાં ગયો ત્યાં માલિકને નુકસાન કરતો ગયો છે અને તારાજી કરી નાખી છે.
૬. ઊતરેલો, બીજાનો જૂનો તથા ક્ષતિવાળો નંગ કદી ના પહેરશો. એવું કરવાથી દોષ લાગે છે.
૭. રત્નોની અસર જો થોડા સમયમાં થાય જ નહીં તો એ રત્ન પહેરી રાખવું નહીં. કાઢી નાખવું.
૮. રત્નોની સૃષ્ટિ અપરંપાર છે, એમાં ગૂંચવાઈ ના જવાય. એ સૃષ્ટિનો દર્શનલાભ લઈ શકાય. ગ્રહો પ્રભુના જ અંશો છે. આ અંશો સાથે તાલમેલ મેળવો અને સુખી બનો.
(Disclaimer: )
અહીં જણાવવામાં આવેલી માહિતી ધાર્મિક અને સામાન્ય મહિતી પર આધારિત છે, જેનો અમલ કરતાં પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી ખૂબ જ આવશ્યક છે)
ગુજરાત ધાર્મિક ગ્રુપ જોડાઓ 👏 | |
ધાર્મિક ચેનલ સાથે જોડાઓ 👏 |