દરેક વ્રત બે ભાગમાં વહેંચાયેલું હોય છે. એક તો પૂજા સંબંધી કર્મ (ક્રિયા) કાંડ અને બીજામાં કથાકાંડ.
વ્રતની આનુષંગિક પૂજા કરવી જરૂરી છે, તેમ વ્રત સંબંધી જે વાર્તા હોય તે પણ સાંભળવી એટલી જ જરૂરી છે. કારણકે વ્રત સંબંધી કથા-વાર્તા જ વ્રતનો મહિમા સ્પષ્ટ કરી આપણી વ્રત-ભક્તિમાં વધારો કરે છે. અને વ્રત સંબંધી કથા શ્રવણ દ્વારા તે સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે.
અલૂણા સંબંધી વાર્તા
એકવાર હિમગિરિ પર આવેલા કૈલાસ શિખર પર શિવ-પાર્વતી બેઠાં હતાં. માં પાર્વતીએ શિવજીને કહ્યું કે, પ્રભુ, આપ તો યોગીરાજ છો, તેમજ મહાન તપસ્વી છો. પ્રભુ, જયારે પણ આપ તપ આદરો છો, ત્યારે આપનું તપ તો આદી તીર્થકાલીન હોય છે. આપનું તપ જલ્દી ન છૂટવાના કારણે તપશ્ચર્યાકાળ દરમ્યાન મારે માટે તો સમય પસાર કરવો ખૂબ જ કઠિન થઈ પડે છે.
ભોળાનાથે કહ્યું, દેવી, હું તમારી વેદના અને સમસ્યા જાણું છું. તો એના નિવારણ માટે તમે જ પગલું ભરો. તમે તમારી ઇચ્છાબળે બે બાળકો ઉત્પન્ન કરશો તો તમારું એકલાપણું પણ ટળશે અને તમારા દિવસો પણ આનંદથી પસાર થશે.
દેવી પાર્વતીએ ભગવાન ભોળાનાથની વાત માન્ય રાખી તે પ્રમાણે કર્યું. પછી આ માટે શું કરવું? એવો વિચાર કરીને માતા પાર્વતીએ પોતાના જમણા પડખેથી ‘ગજાનન’ અને ડાબા પડખેથી ‘ઓખાબાઈ’ને ઉત્પન કર્યા. ભોળાનાથ ભગવાન શિવજીની યાદ તો આવતી, પણ છોકરાંઓનાં મોઢાં જોઈને જ મનને વાળી લેતાં.
એકવાર ફરતા-ફરતા નારદજી ત્યાં આવી પહોંચ્યા અને ત્યાં કૈલાસમાં પાર્વતીજી પાસે રમતાં બંને બાળકોને જોયાં.
બાળકોને જોઈને ખરી હકીકત તો નારદજી સમજી ગયા, છતાં પણ નારદજીએ માતા પાર્વતીને પૂછયું, ‘માતાજી, ભોળાનાથ અહીં નથી કે શું?’
માતા પાર્વતીએ જવાબમાં કહ્યું કે, ‘એ તો તપશ્ચર્યા કરવા ગયા છે.’
ભગવાન શિવજીની સમાધિ સમાપ્ત થઈ. તેની જાણ થતાં નારદજી તો ત્યાં પહોંચી ગયા.
નારદજીએ શિવજીને પ્રણામ કરીને કહ્યું કે, ‘પ્રભો, આપ તો અહીં સમાધિનો આનંદ લઈ રહ્યા છો અને ત્યાં કૈલાસમાં પાર્વતીજી તો બે બાળકો સાથે આનંદ માણી રહ્યાં છે.’
પામેલા ભોળાનાથ ક્રોધાવેશમાં આવી ત્રિશૂલ સાથે ધરતી ધ્રુજાવતા કૈલાસમાં આવી પહોંચ્યા. પરસ્પર ઓળખી ન શકવાના કારણે બંને બાળકો તો અદ્દભુત વેષભૂષાવાળા શિવજીને જોઈને ભય પામ્યાં.
ગજાનને તો હિંમત કરી અને શિવજીની સામે ઊભા રહ્યા. જ્યારે અતિ ભય પામેલી ઓખા તો મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ.
મહાદેવ અંદર જવા લાગ્યા તો, ગણપતિદાદાએ તેમને અટકાવ્યા.
ગજાનને કહ્યું કે, અંદર મારાં માતાજી સ્નાન કરી રહ્યાં છે, માટે તમે અંદર જઈ શકશો નહીં.
ગણપતિના આ પ્રમાણેના કહેવાથી રોષે ભરાયેલા શિવજીએ એનું મ-સ્ત-ક ઉ-ડા-ડી દીધું. ગણપતિનું મ-સ્ત-ક ઉડાડીને ભગવાન શિવજી જ્યારે અંદર પ્રવેશ્યા તો પાર્વતી વસ્ત્રો બદલી રહ્યા હતા.
તે બોલ્યાં –' પધારો પ્રભુ'.
કોપાયમાન થયેલ શિવજી બોલ્યા, તમે કેવો પતિવ્રતા ધર્મ બજાવો છો? તેની મને ખબર પડી ગઈ છે.
આ સાંભળી પાર્વતીને માઠું લાગ્યું અને મૂંગા રહ્યાં.
મહાદેવજીએ કહ્યું કે, ‘આ બાળકો ક્યાંથી આવ્યા? તમે પાપાચારણ કર્યું છે. આને તમે પતિવ્રતા ધર્મ કહો છો?’
ભગવાને ગુસ્સામાં ને ગુસ્સામાં તો ગજાનનનું મસ્તક ઉડાડી દીધેલું છે, તે જાણી માતા પાર્વતી બહુ દુઃખી થયાં. અરે! આ તો પિતાના હાથે જ અજુગતું થયું.
પાર્વતીએ ખરી વાત સમજાવી, ત્યારે શિવજીને પણ બહુ આઘાત લાગ્યો. હવે શું થાય? માતા પાર્વતીએ ફરીથી સજીવન કરવાની હઠ લીધી.
ભગવાને કહ્યું, ‘હું તમારી ઇચ્છાઓને પૂરી કરીશ.’
ભગવાને પોતાના દૂતોને આદેશ આપ્યો કે, ‘બહાર જાઓ, અને તમને સામે સૌથી પહેલાં જે પણ પ્રાણી મળે તેનું મસ્તક છેદીને લાવો.’
દૂતો બહાર ગયા અને સૌથી પહેલા સામે મળેલ હાથીનું મસ્તક છેદી લાવ્યા.
ગણપતિના ઘડ પર હાથીનું મસ્તક બેસાડીને ગણપતિને સજીવન કર્યા.
વિચિત્ર રૂપ જોઈ પાર્વતીજી તો કલ્પાંત કરવા લાગ્યાં.
‘દેવી, એ તો હવે જે થઈ ગયું તે થઈ ગયું. આમાં હવે ફેરફાર થઈ શકે તેમ નથી. તમે શોક ન કરો.’ ફરીથી ભગવાને કહ્યું કે – ‘સકળ બ્રહ્માંડમાં ગણપતિજીની પૂજા થશે. શુભ કામમાં ગણપતિનું સૌથી પ્રથમ પૂજન થશે. એ તો વિદ્નોને દૂર કરનારા અને બુદ્ધિના દેવ થશે.’
માતા પાર્વતીએ પતિના વચનો પર વિશ્વાસ રાખી પ્રસન્ન થઈ ગણપતિને વ્હાલ કર્યું.
હવે માતા પાર્વતીએ ઓખાને બૂમ પાડી તો તે મીઠાની કોઠીમાંથી બહાર આવી.
માતા પાર્વતીએ ઓખાને ઠપકો આપી શાપ આપ્યો કે –" ભાઈને મૂકી તું એકલી સંતાઈ ગઈ. તને શરમ ન આવી. જા,
તારો દેહ મીઠામાં ઓગળી જજો. ચૈત્ર માસમાં કોઈ મીઠું ખાશે નહીં ને તારો બીજો અવતાર રાક્ષસ કુળમાં થશે".
ઓખાએ માતાની માફી માગી, પણ શાપ તો ભોગવવો જ રહ્યો.
ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે, "રાક્ષસકુળમાં જન્મ લેવા છતાં પણ તારા લગ્ન દેવ જોડે થશે. ચેત્રમાં તારું માહાત્મ્ય વંચાશે. અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કું-વારીકાઓ પણ તારું વ્રત કરશે. તારા વ્રતના પ્રભાવથી દરેક પ્રકારની મનોકામના પરિપૂર્ણ થશે, તેનું સૌભાગ્ય અખંડ રહેશે."
માતા પાર્વતીના શાપ મુજબ ઓખાને મીઠાની કોઠીમાં પૂરાવું પડ્યું અને અંતે તેનો દેહ મીઠામાં ઓગળી ગયો.
બીજા જન્મે બાણાસુરને ત્યાં જન્મ થયો. મોટી થતાં તેણે પણ અલૂણા વ્રત કર્યું. તેના લગ્ન શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયાં.
અલૂણાં વ્રત ફળ
જે કોઈ અલૂણા વ્રત કરશે, તેની ઉપર સદૈવ ભગવાન શંકર અને માતા પાર્વતી પ્રસન્ન થશે.કન્યાઓ અને સૌગાભાગ્યશાળી બહેનો પાર્વતી અને શિવ પૂજા કરે છે.
દેવ દેવ સમાગચ્છ પ્રાર્થયેડહે જંગત્પતે ।
ઇમાં મયા કૃતાં પૂજાં ગૃહાણ પરમેશ્વર ।।
હે મા ! આ વ્રતમાં મારી ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. મને સદ્બુદ્ધિ આપજો. સારા સંસ્કાર આપજો. સારાં લક્ષણો આપજો. મારા મનોરથ પૂરા કરજો. મને મનગમતો ભરથાર આપજો. બાળી-ભોળી એવી મને તમારી જાણીને અપનાવી મારું કલ્યાણ કરજો.