લોક કથા
[તમારા બાળકોને જરૂર સંભળાવો અકબર-બીરબલની “મૂર્ખના સરદાર” ની વાર્તા, હસી હસીને લોથપોથ થઈ જશે.]
અકબર -બીરબલની વાર્તાઓમાં જેટલી વિલક્ષણતા છે, એટલી જ કથા રોચકતા પણ છે. આજે તમે તમારા બાળકોને સંભળાવો “મૂર્ખના સરદાર” વાર્તા, .
એક દિવસ બાદશાહ અકબરના દરબારમાં મૂર્ખ અને મૂર્ખના સરદાર વિષે ચર્ચા ચાલી રહી હતી. અકબરે પ્રશ્ન પૂછ્યો કે, ‘દુનિયામાં કેટલા મૂર્ખ હશે?’ તો દરબારીઓએ તેના જુદા જુદા જવાબો આપ્યા. અકબરને કોઈ જવાબથી સંતોષ ના થયો. પછી બીરબલને પૂછ્યું, ‘તારું શું કહેવું છે બીરબલ?’
બિરબલે કહ્યું, ‘દુનિયામાં અસંખ્ય મૂર્ખ હશે મહારાજ. તમે તેમની ગણતરી કરાવીને શું કરશો?’
વાંધો નહિ ચાલ, બધાની ગણતરી કરતા નથી, તું અમારી સામે ચાર મૂર્ખાને રજૂ કર. પણ ધ્યાન રાખ જે કે તે ચારેય ફક્ત મૂર્ખ જ નહિ પણ મૂર્ખોના પણ સરદાર હોવા જોઈએ. મ-ર-તો શું ના કરતો, બીરબલ બીજા દિવસે મૂર્ખાની શોધમાં નીકળી ગયો. ઘણા લોકો સાથે વાત કરી પરંતુ એવા મૂર્ખ ના મળ્યા જેવા બાદશાહ અકબર ઇચ્છતા હતા.
એક દિવસ તે ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેની નજર એક વ્યક્તિ પર પડી જે ખુશીથી ક્યાંક જઈ રહ્યો હતો. બીરબલ એમજ તેને અટકાવ્યો અને પૂછ્યું, ‘ક્યાં જાઓ છો ભાઈ? બહુ ખુશ લાગો છો!’
‘અરે! આજે વાત ના પૂછો કે હું કેટલો ખુશ છું. મારે વહેલામાં વહેલી તકે મારા ગામ પહોંચવાનું છે.’ તેણે હસતાં હસતાં કહ્યું.
‘ગામડામાં એવું તે શું છે કે જેથી આટલી ઉતાવળમાં જઈ રહ્યો છે?’
‘એક મોટી, બહુ મોટી ખુશીની વાત છે.’
મને પણ કહે ને કે શું વાત છે? બીરબલે આગ્રહ કર્યો
હું એ વાત જણાવું છું તે સાંભળો. ગામમાં મારી પત્નીના લગ્ન છે, અને લગ્નમાં જવાની કોને ખુશી ના હોય? હું પણ જાઉં છું. આ જુઓ મીઠાઈ સાથે લઇ જાઉં છું. તેણે મીઠાઈનું બોક્સ બતાવ્યું.
બીરબલે મનમાં કહ્યું, ‘આ છે મુર્ખાઓનો રાજકુમાર છે, મૂરખનો સરદાર. આને દરબારમાં લઈ જવો જોઈએ.’ તેણે પેલા માણસને કહ્યું, ‘તારે રાજાના દરબારમાં આવવું પડશે.’
‘કેમ? કેમ આવવું પડશે?’ તેણે ગભરાઈને પૂછ્યું.
બીરબલે સમજાવ્યું, ‘જે માણસ પોતાની પત્નીના લગ્નમાં જાય છે તેણે પહેલા રાજા સમક્ષ હાજર થવું પડે છે.’ મૂર્ખ બીરબલ સાથે ચાલવા લાગ્યો. બીરબલ ફરીથી મૂર્ખની શોધવામાં વ્યસ્ત થઈ ગયો. ઘણું ચાલ્યા પછી તેણે એક માણસને જોયો, જે ઘોડા પર બેસીને ક્યાંક જઈ રહ્યો હતો. તેણે માથા પર ગાંસળી રાખી હતી. બીરબલે તેને અટકાવીને પૂછ્યું, ‘માથા પર ગાંસળી કેમ મૂકી છે? તમે તેને પણ ઘોડા ઉપર કેમ મૂકી દેતા નથી?’
તેણે કહ્યું, ‘ભાઈ, આ ઘોડી છે અને તે મા બનવાની છે. તેના ઉપર મારું વજન શું ઓછું છે? કે આ ગાંસળી પણ મૂકી દવ. તેનો ભાર હળવો કરવા મેં આ ગાંસળી મારા માથા પર ઉપાડી છે.
બિરબલે ઊંડો શ્વાસ લીધો. તેને આ બીજો મૂર્ખ મળી ગયો હતો. તેણે કહ્યું, ‘તમારે મારી સાથે રાજાના દરબારમાં આવવું પડશે.’
‘કેમ? મારે શા માટે દરબારમાં આવવું જોઈએ? ત્યાં મારુ શું કામ છે?’ તેણે આશ્ચર્યથી પૂછ્યું.
બીરબલે કહ્યું, ‘તમારે એટલા માટે આવવું પડશે કે જે વ્યક્તિ ઘોડી ઉપર બેસીને ઘોડીનો ભાર ઓછો કરવા માટે પોતાના માથા પર ભારે ગાંસળી મૂકે છે, આવા વ્યક્તિને મળીને રાજા ચોક્કસ ખુશ થશે.’ તે સંમત થઇ ગયો. બીરબલ બંનેને લઈને દરબારમાં પહોંચ્યો અને કહ્યું, ‘જહાંપનાહ! લો, દરબારમાં ચાર મૂર્ખ હાજર છે.
‘અમને તો બે જ દેખાય છે.’ અકબરે આશ્ચર્ય સાથે કહ્યું. ‘બીજા બે ક્યાં છે?’
બીરબલે કહ્યું – ‘તમે મુલાકાત શરૂ કરો, ચાર મૂર્ખ તમારી સામે હશે.’
અકબર કહે ઠીક છે, જણાવ આ કોણ છે અને આમણે શું મૂર્ખાઈ કરી છે.
બીરબલ કહે – આને મળો, આ વ્યક્તિ તેની પત્નીના લગ્નમાં જઈ રહ્યો હતો. હું તેમને અહીં લાવ્યો છું.’ તે માણસ શરમાવા લાગ્યો.
બાદશાહ ખૂબ હસ્યા. દરબાર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું.
‘હવે આ બીજાને મળો. આ મુસાફરે પોતે પોતાની ઘોડી પર સવાર થઈને ગાંસળી પોતાના માથા ઉપર રાખી હતી, કારણ કે ઘોડી પર વધારે ભાર ન પડે/’
બાદશાહ હસી હસીને લોથપોથ થઇ ગયા અને બોલ્યા, ‘ત્રીજો મૂર્ખ ક્યાં છે?’
એટલે બીરબલ બોલ્યો – ‘ભૂલ માફ કરશો જહાંપના, પણ ત્રીજા મૂર્ખ તમે પોતે છો?’ બીરબલે માંથુ નમાવીને કહ્યું.
‘હું!’ રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, ‘મેં શું મૂર્ખતા કરી છે?’
‘સારા ભલાઈના કામ છોડીને મૂર્ખાની ગણતરી કરવાની, તેમને મળવાની ઈચ્છા રાખવી એ મૂર્ખતા નથી તો બીજું શું છે?’
‘બાદશાહ મૌન થઈને વિચારવા લાગ્યા અને પછી ધીમેથી પૂછ્યું ચોથો મૂર્ખ ક્યાં છે?’
‘એ હું છું.’ બીરબલ તરત જ બોલ્યો. ‘હું પણ મુરખો જ છું, કેમ કે તમે કીધું ને હું મૂર્ખાની શોધમાં નીકળી પડ્યો.’
બાદશાહે થોડીવાર માટે કૃત્રિમ ગંભીરતા ધારણ કરી પણ તેને લાંબો સમય જાળવી ના શક્યા અને જોરથી હસીને કહ્યું ‘ખરેખર બીરબલ ચાર મૂર્ખ એકસાથે આવી ગયા તો મજા આવી ગઈ.’
આખો દરબાર પછી પેટ પકડીને ખુબ હસ્યો.
(‘કોયડાવાળી લોકકથા’ માંથી સાભાર.)
👉અહીંયા તમે ધાર્મિક.com. જોડાઓ
👉અકબર બીરબલની વાર્તા, મૂરખનાં સરદાર, મૂરખના સરદારો ધોરણ 4 ગુજરાતી પાઠ,
Akbar birbal story – 1 મૂરખનાં સરદારો
👫મૂરખનાં સરદારો
એક દિવસ અકબરે બીરબલને પૂછ્યું, ‘‘ મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે, પણ મૂરખાઓ બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો એ બોલે – ચાલે તે પરથી પકડી શકાય, પણ મૂરખાઓને ઓળખવા શી રીતે ? ’’
‘‘ એમાં શું અઘરું છે, નામદાર ? મૂરખાઓને પણ એમના બોલવા – ચાલવા પરથી ઓળખી શકાય.’’ બીરબલે જવાબ દીધો.
‘‘ હા , એ ખરું છે, ’’ અકબરે કહ્યું. પછી કંઈ વિચાર આવતાં એ બોલ્યો, ‘‘ એક કામ કર. ’’
‘‘ શું નામદાર ? ’’
‘‘ મારે મૂરખાઓને જોવા છે. અઠવાડિયાની અંદર તું છ મૂરખના સરદારોને લાવી હાજ૨ ક૨ ! ’’
‘‘જેવો હુકમ, નામદાર ! ’’ બીરબલે કહ્યું , ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી.
બીરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો. એમાં કેટલાક મૂરખાઓ પણ હતા. પણ એમાંનો કોઈ મૂરખનો સરદાર કહી શકાય એવો નહોતો. એણે શહેરમાં મૂરખના સરદારોની શોધમાં ફરવા માંડ્યું.
એક દિવસ એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં મળ્યો. એને ઊભો રાખીને પૂછ્યું , ‘‘ ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે ? ’’
‘‘ હાથથી ઘોડાની લગામ ઝાલી છે, એટલે બગલમાં રાખી શકાય એમ નથી. તેથી માથે મૂક્યો છે. ’’ ઘોડેસવારે જવાબ દીધો.
‘‘ પણ ઘોડા પર મૂકતાં શું થતું હતું ? ’’ બીરબલે પૂછ્યું.
‘‘ ઘોડા પર ? જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે ! મારો જ ભાર એ જેમતેમ ઊંચકી શકે છે તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી ન જાય ? ’’ ઘોડેસવારે કહ્યું.
બીરબલે એનાં નામઠામ પૂછીને લખી લીધાં અને પછી આગળ ચાલ્યો.
‘‘ ભાઈ , મને બેઠો કરો. ભગવાન તમારું ભલું કરશે. ’’ કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું. બીરબલે એની સામે જોયું. બે હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું તોયે એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો.
‘‘ તમારી મેળે બેઠા થવાય તેમ નથી ? ’’ બીરબલે પૂછ્યું.
‘‘ ના. ’’ પેલાએ જવાબ દીધો.
‘‘ મારો હાથ ઝાલો ’’ કહી બીરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો.
પણ પેલા માણસે કહ્યું , ‘‘ નહિ , નહિ , મારા હાથને અડકશો નહિ. મારી ચોટલી પકડીને મને બેઠો કરો. ’’
‘‘ કેમ ? તમારા હાથને કંઈ ઈજા થઈ છે ? ’’ બીરબલે પૂછ્યું.
“ ના , ઈજા તો કશી નથી થઈ. પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો, પછી કહું પેલા માણસે કહ્યું.
બીરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બીરબલે પૂછ્યું, ‘‘ પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે ? ’’
‘‘ એ જ વાત છે ને ! ’’ પેલાએ જવાબ દીધો ; ‘‘ મારે સુથાર પાસે કબાટ કરાવવું છે. તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે. એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પહોળા રાખી હું સુથારને બતાવવા જતો હતો. રસ્તામાં ચાલતાં લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમ ને એમ રાખી પડ્યો રહ્યો. આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. ’’
બીરબલે એનાં પણ નામઠામ પૂછીને લખી લીધાં. આ બનાવ પછી બે – એક દિવસ રહીને બીરબલ બાદશાહ પાસે ગપ્પાં મારીને, રાતે ઘેર પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એણે એક માણસને કંઈ શોધતો દીઠો.
‘‘ શું શોધો છો ? કંઈ પડી ગયું છે ? ’’ બીરબલે પૂછ્યું.
‘‘ હા. ’’ પેલાએ ટૂંકો જવાબ આપ્યો.
‘‘ શું ? ’’
‘‘ સોનાની વીંટી. ’’
‘‘ લાવો , હુંયે શોધવા લાગ્યું. ’’ કહી બીરબલે પણ વીંટીની શોધ માંડી. ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં ભળ્યા.
‘‘ તમને ખાતરી છે કે અહીં જ પડી હતી ? ’’ થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું.
‘‘ ના, અહીં નથી પડી. ’’
‘ ત્યારે ? ’
‘‘ પડી ગઈ છે તો ત્યાં, દૂર – ’’ આઘે અંધારા ખૂણા તરફ આંગળી કરી એણે જવાબ દીધો.
‘‘ ત્યારે અહીં શા માટે શોધો છો ? એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે ? ’’
‘‘ ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે, એટલે અજવાળે શોધી શકાય. ’’ પેલાએ જવાબ દીધો.
‘‘ મારો બેટો તદન મૂરખ છે. આપણને નકામી મહેનત કરાવી. ’’ એમ તિરસ્કારથી કહીને વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા.
બીરબલે એનાં નામઠામ લખી લીધાં. બીજે દિવસે બીરબલ નદીકિનારે ફરતો હતો ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈ શોધતો જોયો.
‘‘ શું શોધો છો , ભાઈ ? ’’ બીરબલે પૂછ્યું.
‘‘ હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી તે મેં અહીં રેતીમાં દાટી હતી. હવે તે જડતી નથી. ’’ પેલાએ કહ્યું.
” ક્યાં દાટી હતી તે બરાબર ખબર છે ? ”
‘‘ હા, અહીં રેતીમાં – ઊંડો ખાડો પાડીને દાટી હતી. ’’
‘ પણ કંઈ નિશાની રાખી છે ? ’
‘‘ હા , નિશાની રાખ્યા વગર તે કંઈ દાટું ખરો ? ’’
‘‘ શી નિશાની રાખી હતી ? ’’
‘‘ જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું , પણ હવે એ વાદળુંયે દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી. ’’ પેલાએ નિરાશ થઈ કહ્યું.
બીરબલે એનાં પણ નામઠામ પૂછીને લખી લીધાં. અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ ચારેય જણાનાં નામઠામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું,
‘‘ આપે માગેલા મૂરખના સરદાર આ રહ્યા, નામદાર ? ’’
‘‘પણ આ તો ચાર જ છે. મેં તને છ લાવવાનું કહ્યું હતું.’’ અકબરે કહ્યું.
‘‘ નામદાર, છયે છ હાજર છે. ’’ બીરબલે જવાબ દીધો.
‘‘ આ તો ચાર દેખાય છે. બાકીના બે ક્યાં છે ? ’’ અકબરે પૂછ્યું.
‘‘ આ ચાર તો આપ નામદારે જોયા. પાંચમો હું. ’’ બીરબલે કહ્યું.
‘‘ તું ? તું મૂરખનો સરદાર ? ’’ અકબરે નવાઈ પામી પૂછ્યું.
‘‘ હા , નામદાર. ”
‘‘ કેમ ? ’’
‘‘ જાણે બીજાં કોઈ કામ ન હોય તેમ મૂરખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં આઠ દહાડા નકામા બગાડ્યા તે હું મૂરખનો સરદાર નહિ તો બીજું શું ? ’’ બીરબલે કહ્યું.
‘‘ અને છઠ્ઠો ? ’’
‘‘ છઠ્ઠો – નામદાર ! કસૂર માફ કરજો. પણ રાજકાજનાં ને બીજાં અનેક સારાં કામો પડતાં મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર. ’’ બીરબલે કહ્યું.
‘‘ એટલે – એ તો હું. ’’ અકબરે કહ્યું
‘‘હા , નામદાર ! આપણે બંને ; હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખ ને આપે મને શોધવા મોકલ્યો માટે આપ. ’’ બીરબલે કહ્યું.
‘‘ કેટલું ગુમાન ! બાદશાહનું અપમાન ! બીરબલને સજા થવી જોઈએ. ’’ એક દરબારી બોલી ઊઠ્યો.
‘‘ નહિ , નહિ ! ’’ અકબરે હસીને કહ્યું. ‘‘ બીરબલ સાચું કહે છે. એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. મૂરખાઓના વિચારમાં અથવા મૂરખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહિ તો બીજું શું ! ’’ બાદશાહે કહ્યું. પછી બીરબલને ઇનામ આપી રાજી કર્યા.
👉Std 4 પાઠ્યપુસ્તક માંથી
: