👫 ગીતાનું મહત્ત્વ
એક દિવસે એક સજ્જન ધોતિયું પહેરીને, શાલ ઓઢીને તિરુવનંતપુરમમાં સમુદ્ર તટ પર બેસીને ભગવદ્ ગીતાના પાઠ કરી રહ્યા હતા. એ જ સમયે એક યુવક ત્યાં આવીને બેસી ગયો. એ સજ્જનના હાથમાં ભગવદ્ ગીતા જોઈને યુવકે કહ્યું, ‘આવાં પુસ્તકો વાંચવાનો શો મતલબ? જુઓ, દુનિયા ચાંદ પર પહોંચી ગઈ છે અને તમે હજુ પણ ગીતા-રામાયણમાં અટક્યા છો?’
એ સજ્જને યુવકને પૂછ્યું, ‘ગીતા વિશે તું શું જાણે છે?’ યુવકે સવાલનો જવાબ ન આપ્યો અને ઉત્સાહથી કહ્યું, ‘આ બધું વાંચીને શું થશે? હું તો વિક્રમ સારાભાઈ સંશોધન સંસ્થાનો વિદ્યાર્થી છું. હું એક વૈજ્ઞાનિક છું. મારા માટે ગીતા પાઠ કોઈ કામનો નથી.’
યુવકની વાત સાંભળીને એ સજ્જન હસી પડ્યા. થોડીવારમાં બે મોટી ગાડીઓ ત્યાં આવી. એક ગાડીમાંથી બે બ્લેક કમાન્ડો અને બીજી કારમાંથી એક સિપાઈ નીચે ઉતર્યો. સિપાઈએ મોટી કારનો દરવાજો ખોલ્યો, સલામી આપી અને દરવાજા પાસે ઊભો રહી ગયો. પેલા સજ્જન, જે ગીતા પાઠ કરી રહ્યા હતા, ધીમેથી કારમાં બેસી ગયા. આ બધું જોઈને પેલો યુવક ચકિત થઈ ગયો. તેને લાગ્યું કે આ માણસ કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ હશે. એ સજ્જન વિશે જાણવા માટે યુવક ઝડપથી દોડીને પાસે ગયો અને પછ્યું, ‘સર, તમે કોણ છો?’ એ સજ્જને બહુ ધીમા અવાજે કહ્યું, ‘હું વિક્રમ સારાભાઈ છું.’ આ સાંભળીને એ યુવક હેરાન થઈ ગયો. ત્યારબાદ એ યુવકે ભગવદ્ ગીતા વાંચી. રામાયણ, મહાભારત અને અન્ય વૈદિક પુસ્તકો પણ વાંચ્યાં. ગીતા પર તેની મોટી અસર થઈ. એ યુવકે પોતાની આત્મકથામાં લખ્યું, ‘ગીતા એક વિજ્ઞાન છે અને ભારતીયો માટે પોતાની સાંસ્કૃતિક વિરાસત પર ગર્વનો મોટો વિષય છે.’ તે યુવક બીજો કોઈ નહીં, મિસાઇલમેન ડો. એ.પી.જે. અબ્દુલ કલામ હતા.
ગીતામાં કુલ 18 અધ્યાયો અને 700 શ્લોક છે. અનુષ્ટુપ છંદમાં ગીતાના શ્લોકોની રચના થયેલી છે. મહર્ષિ વેદવ્યાસે ગીતા નામ આપ્યું છે. જ્ઞાન, કર્મ, શ્રદ્ધા, સંયમ, નવપ્રકારની ભક્તિ, કાળકર્મ, જીવન માયા ઇશ્વર પ્રકૃતિ, જીવનને બંધન અને મોક્ષ કેવી રીતે થાય છે. તેના પર પ્રતિપાદન કરાયું છે. આશરે 5 હજાર વર્ષ પહેલાં ગીતાનું સર્જન થયેલું છે.
👫શ્રી મદ ભગવદ્ ગીતાના પ્રસિદ્ધ શ્લોક :
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्
परित्राणाय साधूनां विनाशाय च दुष्कतामधर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे
ભાવાર્થ: હે ભારત (અર્જુન), જયારે જયારે ધર્મની ગ્લાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું અવતાર લઉં છું. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સંસ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું.
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः
એ આત્માને શસ્ત્રો છેદતાં નથી, એ આત્માને અગ્નિ બાળતો નથી, એને જળ પણ કહોવરાવતાં નથી, તેમ વાયુ પણ એને સુકવતો નથી.
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि
કારણ કે – જન્મ પામેલાનું મૃત્યુ નિશ્ચિત જ છે અને મરેલાનો જન્મ પણ નિશ્ચિત જ છે, માટે અપરિહાર્ય-અવશ્ય બનવાના અર્થમાં તું શોક કરવાને યોગ્ય નથી.
सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ
ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि
સુખ દુ:ખ સમાન કરીને-માનીને, તેમજ લાભ-અલાભ, જય-પરાજય, એ બધામાં સમાનતા રાખીને તે પછીજ યુદ્ધ માટે જોડાઇ જા ! એમ કરવાથી તને પાપ નહિ લાગે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन
मा कर्मफलहेतुर्भू: मा ते सऽगोऽस्त्वकर्मणि
તારો અધિકાર કર્મ કરવામાં છે, તેના ફળમાં કદાપિ નથી. માટે તું ફળના હેતુથી કર્મ ના કર અને કર્મ ન કરવાવાળો પણ ના બન.