Bhaktigeet and Lord Shiva Wallpapers.
hanuman jaynti
मनोजवं मारुततुल्यवेगमं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्।
वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये।।
હનુમાનજી વિશે માહિતી
હનુમાન કોણ છે ? હનુમાન કોનાં અવતાર છે ?
હનુમાન 'હ' શબ્દનો અર્થ બ્રહ્મા, 'નુ' અર્ચના, 'મા' લક્ષ્મી સૂચવે છે અને 'ન' શક્તિનો, પ્રરાક્રમ દ્યોતક છે.
હનુમાનને શિવાવતાર અથવા રૂદ્રાવતાર પણ માનવામાં આવે છે. રુદ્ર તોફાન અને વાવાઝોડાના પ્રમુખ દેવતા પણ છે અને દેવરાજ ઈન્દ્રના સાથી પણ છે. વિષ્ણુ પુરાણ અનુસાર રુદ્રની ઉત્પત્તિ બ્રહ્માના કપાળમાંથી થઈ હતી. હનુમાનજી વાયુદેવ અથવા મારુતિ નામના રુદ્રના પુત્ર હતા.
હનુમાનનો જન્મ ક્યારે થયો હતો ?
જ્યોતિષીઓની સચોટ ગણતરી મુજબ, હનુમાનજીનો જન્મ 58 હજાર 112 વર્ષ પહેલા ત્રેતાયુગના અંતિમ તબક્કામાં ચૈત્ર પૂર્ણિમાના દિવસે મંગળવારે ચિત્રા નક્ષત્ર અને મેષ લગ્નના યોગમાં ભારતમાં સવારે 6.03 કલાકે થયો હતો. ઝારખંડ રાજ્યના ગુમલા જિલ્લાના અંજનનો આજે એક નાના પહાડી ગામમાં એક ગુફામાં થયો હતો.
હનુમાનજીના જન્મની કથા
વાલ્મીકિ રામાયણમાં હનુમાનજીના જન્મની કથાનું વર્ણન જોવા મળતું નથી. પરંતુ જુદા-જુદા દેવતાઓના અંશાવતાર ( પુત્ર) તરીકે વર્ણવવામાં આવે છે. વાયુ પુત્ર, કેસરી સુત, શંકર વગેરે.
સ્કંધ પુરાણ અનુસાર :
સ્કંધ પુરાણના વૈષ્ણવ ખંડમાં એવી કથા છે કે અંજના અને કેસરી સુમેરુ પર્વત પર રહેતાં હતાં. તેઓ ને સંતાન સુખ ન હતું. આથી ખૂબ જ વ્રત, તપ, અનુષ્ઠાન કરવા લાગ્યા.
એકવાર તેમને મતંગ મુનિ મળ્યા, તેમણે પુત્ર પ્રાપ્તિના ઉપાય માટે અંજાનાએ પુછ્યું. ત્યારે મુનિ એ કહ્યું વૃષભાચળ પર્વત જઇને વાયુદેવની ઉપાસના કરો તે તમને મહા પરાક્રમી અને અજેય એવો પુત્ર આપશે વૃષભાાચળ પર છે મતંગ મુનિના કહેવા મુજબ અંજનાએ તપ આદર્યું એટલે વાયુ દેવ પ્રસન્ન થયા. તેમને અંજના ના સતીત્વનો ભંગ કર્યા વિના અવ્યક્ત રૂપ એ માનસિક સંકલ્પ દ્વારા અંજનાને આલિંગન કરી પુત્ર આપ્યો હતો. આ એક નિયોગ પદ્ધતિ છે. આ અંજના દેવી નો પુત્ર આંજનેય વાયુ જેવો મહા બળવાન થયા તેથી તે "વાયુપુત્ર" કહેવાયા.
હનુમાનચરિત અનુસાર કથા
અંજની મહર્ષિ ગૌતમજીના પુત્રી હતા. તેના લગ્ન કેસરીજી જોડે થયેલા હતા. કેસરીજીને બધા પ્રકારનું સુખ હતું, પરંતુ એક શેરમાટીની ખોટ હતી. જેને લીધે પતિ-પત્ની બન્ને દુઃખી રહેતા હતા. એક દિવસ અચાનક દેવર્ષિ નારદજીએ દર્શન આપ્યા. શ્રીમતી અંજનીજીએ નારદજી સમક્ષ પોતાના દુખનું વર્ણન કર્યું. દેવર્ષિ નારદજીએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, તમને જરૂરથી પુત્ર થશે અને એવો પુત્ર પ્રાપ્ત થશે, જેનો મહિમા યાવત્ ચંદ્ર દિવાકર – જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી રહેશે તથા તે અજર અમર હશે. પરંતુ, આવો યશસ્વી પુત્ર મેળવવા તમારે પવનદેવની આરાધના કરી, તેને પ્રસન્ન કરવા પડશે. દેવી અંજનીએ તપ કરીને પવનદેવને પ્રસન્ન કર્યા અને પુત્ર આપવા માટે વિનંતી કરવા લાગ્યા.
આ જ સમયે મહારાજ દશરથ પુત્રેષ્ટિ યજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞ પૂર્ણ થતાં ઋષ્યશૃંગએ રાજાને ખીર આપી અને તેને મુખ્ય રાણીઓમાં વહેંચી દેવા આજ્ઞા કરી. ખીર લઇને મહારાજ દશરથ મહેલમાં આવ્યા, પરંતુ કોઇ કારણસર પ્રસાદીની ખીર વહેંચતી વખતે મહારાણી સુમિત્રા ત્યાં હાજર ન રહી શક્યા. મહારાજ દશરથ દ્વારા તેનો ભાગ અલગથી રાખી મૂકવામાં આવ્યો. પવનદેવ એ જ સમયે ગીધનું રૂપ લઈ, હવનની પ્રસાદી (ખીર)નો આ અલગથી રાખવામાં આવેલો ભાગ ચાંચમાં લઈ (આ કારણે જ કદાચ શ્રીરામચરિતમાનસમાં કૌશલ્યાજી અને કૈકેયીજી પોતાના ભાગમાંથી સુમિત્રાજીને ખીર આપતા હોવાનો ઉલ્લેખ છે) આકાશમાર્ગે ખૂબ જ ઝડપથી જ્યાં અંજનીદેવી હાથ જોડી પ્રાર્થના કે હાથ ફેલાવી પુત્રની માંગણી કરી રહ્યાં હતા ત્યાં પહોંચી ગયા.
ગીધ રૂપમાં પવનદેવે એ હવનનો પ્રસાદ અંજની દેવીની અંજલિ(ખોબો)માં મૂકી દિધો અને અંતર્ધાન થઈ ગયા. ત્યારબાદ આકાશવાણી થઈ – “ભક્ષયસ્વ ચરું ભદ્રે પુત્રસ્તે ભવિતામુના, રાક્ષસાં નાશને હેતુ: શ્રીરામચરણે પર:” હે દેવી ! આ ખીર ખાઓ, જેનાથી રાક્ષસોનો નાશ કરવાવાળો અને શ્રીરામનો ભક્ત પુત્ર પ્રાપ્ત થશે. આ પ્રમાણે પવનદેવના આશીર્વાદથી દેવી અંજની ગર્ભવતી થઈ. ચૈત્ર માસની પુનમ, ચિત્રા નક્ષત્ર, શનિવારના રોજ સૂર્યોદય સમયે, જ્યારે સૂર્ય મેષ રાશી ઉપર હતો, ત્યારે મહાવીર પુરુષ શ્રી હનુમાનજીનો અવતાર થયો. (હનુમાનચરિતમાં આ કથા ક્યા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે? તેનો ઉલ્લેખ નથી.)
શિવપુરાણ અનુસાર કથા
એક સમયની વાત છે, જ્યારે અદ્ભુત લીલા કરનારા ગુણશાળી ભગવાન શંભુને વિષ્ણુનાં મોહિની રૂપનાં દર્શન પ્રાપ્ત થયાં. ત્યારે શિવજી, જેણે કામને બાળીને ભષ્મ કરી દીધો હતો, કામદેવનાં બાણોથી ઘાયલ થઈ ગયા હોય એમ ક્ષુબ્ધ થઈ ગયા. આ સમયે પરમેશ્વર શિવજીએ શ્રીરામજીના કાર્ય સિદ્ધિ અર્થે વીર્યપાત કર્યો. ત્યારે સપ્તર્ષિઓએ આ વીર્ય (શ્રીરામજીના કાર્ય સિદ્ધિ અર્થે વીર્યપાત કરેલ હોય) ને પત્રપુટક એટલે કે પડિયામાં સ્થાપિત કર્યું. આ માટે ભગવાન શિવજીએ જ એમના મનમાં પ્રેરણા કરી હતી. ત્યારબાદ એ મહર્ષિઓએ શિવજીના આ વીર્યને ગૌતમ કન્યા અંજનીના શરીરમાં તેના કાનને માર્ગે સ્થાપિત કર્યું. યોગ્ય સમયે આ જ વીર્યના ગર્ભથી ભગવાન શિવજી પોતે મહાન બલપરાક્રમસંપન્ન વાનર શરીર ધારણ કરીને ઉત્પન્ન થયા, એમનું નામ હનુમાન રાખ્યું.
પુંજિકાસ્થલી દેવરાજ ઇન્દ્રની સભામાં એક અપ્સરા હતી. એકવાર જ્યારે દુર્વાસા ઋષિ ઈન્દ્રની સભામાં હાજર હતા, ત્યારે અપ્સરા પુંજિકાસ્થલી વારંવાર અંદર અને બહાર ફરતી હતી. તેનાથી નારાજ થઈને દુર્વાસા ઋષિએ તેને વાનર બનવાનો શ્રાપ આપ્યો. જ્યારે પુંજિકાસ્થલીએ ક્ષમા માંગી ત્યારે ઋષિએ પણ ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરવાનું વરદાન આપ્યું. થોડા વર્ષો પછી, પુંજિકાસ્થલીએ વાનરા શ્રેષ્ઠ વિરાજની પત્નીના ગર્ભમાંથી વાંદરાના રૂપમાં જન્મ લીધો. તેણીનું નામ અંજની હતું. લગ્ન માટે લાયક હોવા પર, પિતાએ તેની સુંદર પુત્રીના લગ્ન મહાન શકિતશાળી વાનર શિરોમણી વનરાજ કેસરી સાથે કર્યા. આ સ્વરૂપમાં પુંજિકાસ્થલી માતાને અંજની કહેવામાં આવતી હતી.
આનંદ રામાયણ અનુસાર કથા
અહીં આ ચરિત બે ભાગમાં છે. પ્રથમ, સારકાંડ સર્ગમાં શ્રી શિવજીએ કહ્યું છે, તે મુજબ પુત્રેષ્ટિ યજ્ઞ કર્યા બાદ તેની ફળશ્રુતિરૂપે અગ્નિદેવતાએ યજ્ઞની પ્રસાદી એટલે કે ખીરનો કટોરો આપ્યો. શ્રી દશરથજીએ આ પ્રસાદી રાણીઓ વચ્ચે વહેંચી દીધી. જે પૈકી મહારાણી કૈકેયીનો ભાગ એક સમડીએ, શ્રાપથી મુક્ત થવાની ભાવના સાથે, તેના હાથમાંથી ઝુંટવી લીધો. આ સમડી અગાઉ સુવર્ચલા અપ્સરા હતી. એકવાર બ્રહ્મસભામાં નૃત્યમાં ભંગ થવાને કારણે બ્રહ્માએ તેને પૃથ્વી ઉપર જઈ સમડી થવાનો શ્રાપ આપ્યો હતો. શ્રાપ મળવાથી વ્યાકુળ સુવર્ચલા અપ્સરા બ્રહ્માજીને ખૂબ જ વિનંતી કરવા લાગી. ત્યારે બ્રહ્માજીએ પ્રસન્ન થઈને કહ્યું કે, જ્યારે તું કૈકેયીનો ખીરનો ભાગ છીનવીને અંજની પર્વત ઉપર નાખીશ, ત્યારે તું શ્રાપ મુક્ત થઈ જઈશ અને તારા અપ્સરાના મૂળ સ્વરૂપમાં આવી જઈશ.
બીજો, જ્યારે અગત્સય મુનિએ શ્રી પવનનંદન હનુમાનજીના જન્મ, તેને મળેલા વિવિધ વરદાનો અને મુનિઓના શ્રાપનું વર્ણન કર્યું, તે મુજબ જન્મની કથા કંઈક આવી છે. એક સમયની વાત છે, જ્યારે કેસરીની અંજની નામની સ્ત્રી અંજન પર્વત ઉપર બેઠી હતી. એટલામાં આકાશમાંથી કોઇ સમડીના મુખમાંથી ખીરનો એક પિંડ (લોંદો કે ભાગ) ત્યાં આવીને પડ્યો. આ એ જ ખીરનો ભાગ હતો, જે સમડીએ કૈકેયી પાસેથી છીનવી લીધો હતો. આ અમૃત સમાન ખીરનો પ્રસાદ અંજનીએ ખાઈ લીધો. એટલામાં કેસરીની બીજી પત્ની માર્જારાસ્યા પણ ત્યાં આવી. પતિ કેસરીની ગેરહાજરીમાં બન્ને ત્યાં વિચરી રહી હતી. તે સમયે પવને અંજનીના વસ્ત્રો ઉડાડીને ઉંચા કર્યા તથા તેના સાથળ જોઈ લીધા. ત્યારબાદ વિનંતી કરીને વાયુએ તેની સાથે માનસિક ભોગ પણ કર્યો. આમ, માતા અંજનીથી પવનના પુત્ર એવા હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ અગિયારશના રોજ મઘા નક્ષત્રમાં થયો. અન્ય કથાઓમાં ચૈત્ર સુદ પુનમના રોજ શ્રી હનુમાનજીના જન્મ થયાનું અનુસંધાન છે. આ બધી ઘટનાઓ ખરેખર બનવાની સદીઓ પછી લખાતી હોય, બન્ને વચ્ચેના સમય અંતરને લીધે આવો ફેરફાર રહેતો હોઈ શકે.