ગજેન્દ્ર મોક્ષ કથા
શુકદેવજી કહે,”હે રાજા ! આજે હું આચાર-વિચાર શુદ્ધ હોવા વિશેની એક કથા તમને કહું છું તે તમે સાંભળો.”
“હે પરીક્ષિત ! ક્ષીરસમુદ્ર ની વચમાં ત્રિકુટ પર્વતની તળેટીમાં એક સુંદર સરોવર હતું. વહેલી સવારે ભગવાનના ભક્તો, ઋષિઓ આ સરોવર કાંઠે સંધ્યા-પૂજા સ્નાન વગેરે માટે આવે. દરરોજ ઢળતી સાંજે જંગલનો રાજા મદોન્મત્ત હાથી તેની હાથણી અને બચ્ચાઓ સાથે સરોવરમાં સ્નાન કરવા આવે. આજે જુવાન હાથીના લમણામાંથી મદ ઝરતો હતો. હાથી હાથણી અને પોતાના બચ્ચા જોડે સ્નાન કરી સરોવરમાંથી બહાર નીકળ્યો, શરીર પર થોડો કચરો રહી જવા પામ્યો હોવાથી હાથી ફરી સરોવરન જળમાં નહાવા પડ્યો. તેનો એક પગ કાદવમાં ખૂંપી ગયો હોય એમ લાગ્યું. પગને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ વ્યર્થ. પગ જેમ બહાર કાઢવા પ્રયત્ન કરે તેમ વધુ ને વધુ અંદર ખૂંપવા લાગ્યો. હાથણીએ હાથીને મદદ કરવા માંડી પણ મગર હાથીનો પગ ગળવા લગ્યો, જંગલના રાજાને આજે સમજાયું કે મિત્રો, પત્ની કે સગાંઓ આવા પોતાના ફસાયેલા પગને મગરમચ્છના મોઢામાંથી બચાવી શકે તેમ નથી. કિનારે ઊભા ઊભા લાચાર થઇ પોતાના રાજા કે સાથીની દયામણી દશા જોઇ રહ્યા છે. તેઓ બધા મદદ માટે કિકિયારીઓ કરે છે. હાથી પોતાની હતી તેટલી તાકાત લ્ગાડી દુશ્મનના પંજામાંથી છૂટવા પ્રયત્ન કરતો હતો. આ યુદ્ધ પૂરાં એક હજાર વર્ષ સુધી ચાલ્યું. છેવટે ગજરાજને પોતાની શક્તિ અપૂરતી છે એમ લાગ્યુંત્યારે પરમ શક્તિશાળી પરમેશ્વરને સહાય કરવા પ્રાર્થના કરવા લાગ્યો. જ્યાં સુધી પોતાની શક્તિ હતી ત્યાં સુધી દુશ્મનના પંજામાંથી છૂટવા અથાગ પ્રયત્ન કર્યો. મુક્તિ માટે પોતાનાથી બનતા પ્રયત્ન કર્યા પછી દરેકને ઇશ્વરની મદદ માગવાનો અધિકાર છે. પુરૂષાર્થીની પ્રાર્થના પરમેશ્વરે સાંભળવી જ પડે છે. જ્યાં ત્રિકૂટ પર્વત પર સરોવર કાંઠે ગજ અને ગ્રાહ લડી રહ્યા હતા, ત્યાં ગજરાજની સહાય માટેની પ્રાર્થના સાંભળી એકાએક ઇશ્વર પ્રગટ થયા. પોતાના સુદર્શન ચક્ર વડે ગ્રાહના દેહને છેદી નાખ્યો. ગજરાજનો પગ ગ્રાહના જડબામાંથી છૂટી ગયો. તરત જ આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. ગ્રાહના મૃતદેહમાંથી એક તેજ પુરૂષ બહાર આવ્યો. પ્રભુની પ્રાર્થના કરવા માંડ્યો. ભગવાને પૂછ્યું,” તારી આ દશા કેમ?” મગરમચ્છે કહ્યું”હું ગાંધર્વ હતો. મને રૂપનુ6 અભિમાન હતું. એકવાર ઋષિનું અપમાન કરતાં મને શાપ આપ્યો, જા તું મગરમચ્છ થઇશ. મને મારી ભૂલ સમજાતાં મેં ઋષિની માફી માગી, કહ્યું,”મને એકવાર ક્ષમા કરો.” ઋષિએ કહ્યું,”શાપ કદી મિઠ્યા થતો નથી, પણ એક દિવસ હાથીને બચાવવા ખુદ ઇશ્વર આવશે અને તમારો બન્નેનો ઉદ્ધાર કરશે.”
”ગજેન્દ્ર મોક્ષની કથા આપણે ત્યાં ખૂબ લોકપ્રિય રહી છે કારણકે આ કથામાં સમાજના માનવીઓના મનની દશા આ કથા છે. બીજું, ઉપર ઉપરથી સલામત લાગતાં જગતમાં અનેક ભયાનક તત્ત્વો છુપાયેલા છે. તે હકીકત આ કથામાં વર્ણવામાં આવી છે. દરરોજ ગજરાજ એક જ જળાશયમાં પોતાના મિત્ર પરિવાર સાથે અનેક વખત સ્નાન વેળાએ આનંદ કરતો, પણ છેવટ સુધી ખબર નથી કે આ સરોવરમાં જ મારો દુશ્મન છુપાયેલોછે. સપાટી પર જે સલામતી દેખાય છે તે ભ્રામક છે. તેના પેટાળમાં મગરમચ્છ દુશ્મન છુપાયેલો છે. ત્રીજી વાત કે માણસને મૃત્યુ નજીક આવતું દેખાય ત્યારે જ જીવનની કિંમત સમજાય છે. ગજરાજ પોતાનો પગ પકડાતા તરત જાગૃત થઇ જાય છે. પોતાની બધી શક્તિ વાપરી ગ્રાહની સામે લડે છે. છેવટે થાકીને ઇશ્વરની સહાય માગે છે અને તેને મળે પણ છે. ચોથી વાત કે અંત સમયે સ્વજનો, મિત્રો આંસુ સારવા કે આશ્વાસન આપવા સિવાય આપણે માટે કશું જ કરી શકતાં નથી. અંત સમયે માનવીએ પોતે એકલા જ લડવાનું છે. હિંમત હાર્યા વિના પ્રભુની પ્રાર્થના કરીએ તો જરૂર માનવીની પ્રાર્થના પ્રભુ સાંભળે છે.