યક્ષ - યુધિષ્ઠિર સંવાદ Dialogue between yaksha and yudhishthir

યક્ષ - યુધિષ્ઠિર સંવાદ Dialogue between yaksha and yudhishthir

Gujrat
0

સુવિચાર 

ઈચ્છાઓ પૂરી ના થાય તો ક્રોધ વધે છે,

 અને ઈચ્છાઓ પૂરી થાય તો *લોભ* વધે છે, 

એટલા માટે જીવનની દરેક પરિસ્થિતિમાં ધીરજ બનાવી રાખવી એ જ *શ્રેષ્ઠત્વ* છે.


     

યક્ષ જે પ્રશ્નો ઉપસ્થિત કરે છે એના એક- એકથી ચડિયાતા ઉત્તરો યુધિષ્ઠિર આપે છે.

       એક એક સવાલ અને જવાબ ઊડું ચિંતન અને મનન માંગી લે છે. ઉદાહરણ તરીકે એક પ્રશ્ન લઈએ, 'જગતનું મોટું આશ્ચર્ય શું છે?' યુધિષ્ઠિર એનો ઉત્તર આપે છે એ પ ણ જુઓ, 'માણસો રોજે રોજ મરતાં હોવા છતાં દરેક માણસ એ રીતે જ વર્તે છે કે જાણે પોતે અમર હોય!'

            મહાભારતકારે સવાલ તો ઊભો કર્યો છે પણ એનો જવાબ પણ એટલો જ સચોટ આપ્યો છે. જવાબ પરમ સત્ય છે. માણસનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી માણસ પોતે અમર હોય એવું એનું વર્તન અને યુધિષ્ઠિરનો જવાબ બંને શાશ્વત રહેવાના છે. મહાભારતકાર કહે છે કે, પોતે અમર નથી એ વાત નજર સમક્ષ રાખીને વર્તનાર વ્યક્તિ ઘણી બુરાઈઓથી બચી શકે છે.

         વાચકો સવાલ અને જવાબનું જેટલું વધુ ચિંતન-મનન કરશે એટલું એ એમને વધારે લાભકારક થઈ પડશે. અહીં બધાં જ સવાલ-જવાબ આલેખ્યા નથી, એટલે પ્રશ્નોત્તરીનો ક્રમ પણ બદલાયેલો છે જે વાચકોની જાણ માટે છે.

       પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા. યુધિષ્ઠિરને ખૂબ તરસ લાગી હતી. એમના માટે નકુલ પાણી લેવા ગયો, પરંતુ પાણી લઈને પાછો ન આવ્યો એટલે સહદેવ, ભીમ, અર્જુન, એક પછી એક એને શોધવા ગયા. ચારે ભાઈઓમાંથી એક પણ ભાઈ પાછો ન આવતા ચિંતાતુર યુધિષ્ઠિર પોતે એમને શોધવા નીકળ્યા. કેટલેક દૂર ગયા ત્યાં સરોવરને કાંઠે ચારે ભાઈઓને તેમણે મૃત હાલતમાં જોયા. તેમની આંખોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી. સરોવરમાં તેઓ પગ મૂકવા જાય છે ત્યાં એક યક્ષ બોલ્યો, "ખબરદાર, પહેલાં મારા પ્રશ્નોના જવાબ આપો પછી પાણી પીવું હોય તો પીજો.

મારી વાત નહિ ગણકારો તો તમારા ભાઈ જેવા જ તમારા હાલ થશે." 


         યુધિષ્ઠિર યક્ષને પ્રશ્નો પૂછવા કહે છે. યક્ષ પૂછે છે. (૧) ઉઘાડી આંખે કોણ ઊંઘે છે? જન્મ્યા પછી હાલે ચાલે નહીં એવું કોણ છે? પોતાની ગતિને કારણે કોના કદમાં વધારો થાય છે?યુધિષ્ઠિર ઉત્તર આપે છેઃ માછલીઓ ઉઘાડી આંખે ઊંઘે છે. ઈંડાં જન્મે પછી હાલતાં ચાલતાં નથી. પોતાની ગતિથી નદીના કદમાં વધારો થાય છે.

    (૨) યક્ષઃ પૃથ્વી કરતાં મોટું કોણ? આકાશ કરતાં ઊંચું કોણ? વાયુ કરતા ગતિશીલ કોણ? ઘાસ કરતાં બાળવામાં ચડે એવું શું? યુધિષ્ઠિર ઃ પૃથ્વી કરતાં માતા મોટી. આકાશ કરતાં પિતા મોટા. વાયુ કરતાં ગતિશીલ છે મન. ઘાસથી બાળવામાં ચડે એવી છે ચિંતા.

(૩) યક્ષઃ પ્રવાસીનો મિત્ર કોણ? સંસારીનો મિત્ર કોણ? રોગીનો મિત્ર કોણ? મરણ પથારીએ હોય એનો મિત્ર કોણ?  

 યુધિષ્ઠિરઃ પ્રવાસીનો મિત્ર સાથી પ્રવાસી. સંસારીનો મિત્ર તેની પત્ની. રોગીનો મિત્ર વૈદ્ય. અને મૃત્યુશૈયાએ પડેલાનો મિત્ર દાન. 

(૪) યક્ષઃ ધન કમાવાના પ્રકારમાં કયો પ્રકાર શ્રેષ્ઠ? ધનમાં શ્રેષ્ઠ ધન કયું? લાભમાં સારો લાભ કયો? બધી જાતના સુખમાં સારું સુખ કયું?

યુધિષ્ઠિરઃ ધન કમાવા માટે કુશળતા એ શ્રેષ્ઠ પ્રકાર. તમામ પ્રકારના ધનમાં શ્રેષ્ઠ ધન એટલે જ્ઞાન. બધા પ્રકારના લાભમાં શ્રેષ્ઠ લાભ એ તંદુરસ્તી છે અને બધા પ્રકારના સુખમાં શ્રેષ્ઠ સુખ એટલે અંતરમાંથી નીપજતું સુખ.


(૫) યક્ષઃ પુરુષનું મૃત્યુ શાથી થાય છે? રાજ્યનું મૃત્યુ શાથી થાય છે? 


યુધિષ્ઠિરઃ પુરુષ દરિદ્ર થાય એટલે એને મૃત્યુ પામેલો જાણવો. રાજયનું મૃત્યુ અરાજકતાને કારણે થાય છે. 


(૬) યક્ષઃ કઈ વસ્તુનો ત્યાગ કરવાથી સુખ થાય છે? કઈ વસ્તુનો ત્યાગ કરવાથી પસ્તાવો કરવો પડતો નથી? શું ત્યાગ કરવાથી સુખી થવાય છે? 


યુધિષ્ઠિરઃ અહંકારનો ત્યાગ કરવાથી સુખ થાય છે. ક્રોધનો ત્યાગ કરવાથી પસ્તાવો કરવામાંથી બચી જવાય છે. લોભનો ત્યાગ કરવાથી સુખી થવાય છે. 


(૭) યક્ષઃ જીતી ન શકાય એવો માણસનો શત્રુ કોણ? જેનો અંત જ ન હોય એવો રોગ કયો?

    યુધિષ્ઠિરઃ ક્રોધે એ જીતી ન શકાય એવો માણસનો શત્રુ છે. લોભ એ અંત વિનાનો રોગ છે. 

(૮) યક્ષઃ માણસ ઉપર શેનું આવરણ આવેલું છે? કઈ વસ્તુને કારણે મનુષ્યત્વ પ્રકટી શક્તું નથી? કયા કારણ છે કે જેને કારણે ઉન્નતિ થતી નથી?

યુધિષ્ઠિરઃ માણસ ઉપર મોહનું આવરણ આવેલું છે. તેમાં અવગુણને કારણે મનુષ્યત્વ પ્રકટી શક્તું નથી. કુસંગને લીધે લોકોની ઉન્નતિ થતી નથી.


(૯) યક્ષઃ લજ્જા એટલે શું?

યુધિષ્ઠિરઃ કુકર્મ કરતાં અટકવું એનું નામ લજ્જા. 

(૧૦) યક્ષઃ દયા એટલે શું? જ્ઞાન એટલે શું?

યુધિષ્ઠિરઃ સર્વના હિતેચ્છુ થવું એટલે દયા. તત્ત્વનું જ્ઞાન એટલે જ જ્ઞાન. 


(૧૧) યક્ષઃ કયો ધર્મ શ્રેષ્ઠ છે? કઈ વસ્તુના સંયમથી સંસારીને દુઃખ વેઠવું પડતું નથી? 


યુધિષ્ઠિરઃ અહિંસા એ શ્રેષ્ઠ ધર્મ છે. મનના સંયમથી સંસારી દુઃખ વેઠવામાંથી બચી શકે છે.


     આગળના એક પ્રશ્નનો જવાબ આપતાં યુધિષ્ઠિર કહે છે કે, 'જે માણસને માથે દેવું ન હોય અને જે માણસ સંપૂર્ણ સ્વતંત્ર હોય તે સુખી છે.' 

     ઉપર પ્રમાણે પ્રશ્નો પૂછયા અને જ્યાં સુધી તે યક્ષ સંતોષ પામ્યો અને 'તમારા ભાઈઓમાંથી જે એકને ઈચ્છતા હો તે જીવતો થાય' એમ વરદાન આપ્યું ત્યાં સુધી તેમણે યથાર્થ ઉત્તર આપ્યા કર્યા. યુધિષ્ઠિરે કહ્યું કે, 'નકુળ જીવતો થાય.' 

         તે સાંભળી યક્ષે સમજાવ્યા કે, 'ઓરમાન ભાઈ નકુળ કરતાં ભીમ અથવા અર્જુનના જીવતા થવાની કેમ ઈચ્છા કરતા નથી ?' પણ ધર્માત્મા યુધિષ્ઠિરે નિશ્ચયપણાથી કહ્યું કે, 'અવિષમપણું એ જ પરમધર્મ છે અને મારી કોઈ પણ માતાને અપુત્ર રહેવા દેવાની હું ઈચ્છા રાખતો નથી. કારણકે હું મારી બન્ને માતાઓમાં વિષમતા રાખતો નથી. માટે હે યક્ષ ! નકુળ જીવતો થાઓ.' 

     પછી યક્ષે કહ્યું ઃ 'હે ભરતકુળમાં શ્રેષ્ઠ ! અર્થ તથા કામથી પણ તને વિષમપણું નથી માટે તારા સર્વ ભાઈઓ જીવતા થાઓ.' તુરત જ ચારે ભાઈઓ પીડારહિત થઈ ઊભા થયા. 

યુધિષ્ઠિર બોલ્યા કે ઃ 'બંગલાના રૂપમાં આપ કોણ છો? કારણકે તમે યક્ષ હો એમ હું માનતો નથી.' એમ જ્યારે યુધિષ્ઠિરે કહ્યું ત્યારે ધર્મરાજા દશ્યમાન થયા અને પોતાના પુત્રને આશીર્વાદ આપ્યો અને વરદાન માગવા કહ્યું. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે, 'આ બ્રાહ્મણને અગ્નિમંથન કરવાના બે કાષ્ઠ પાછા મળો.' ધર્મરાજાએ કહ્યું કે મૃગના વેષે મેં જ તે બ્રાહ્મણના કાષ્ઠ હરણ કર્યા હતા. પછી બીજો વર માગવા કહ્યું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે, 'બાર વરસ વનમાં રહ્યા. હવે અજ્ઞાાતવાસનું તેરમું વરસ આવ્યું છે માટે તે વરસમાં જ્યાં અમે વસીએ ત્યાં ક્યારેય પણ અમને મનુષ્યો ઓળખી શકે નહિ એ બીજો વર માગું છું. અને ત્રીજો એ કે લોભ, મોહ અને ક્રોધને હંમેશ જીતું અને દાન, તપ અને સત્ય એ ત્રણને વિષે હંમેશ મારું મન રહે.' ધર્મરાજાએ કહ્યું કે 'તમારી ઈચ્છામાં આવે એવું રૂપ ધારણ કરીને તમે વિરાટ નગરમાં જાઓ.' એમ વરદાન આપી ધર્મરાજા અંતર્ધાન થયા. 

      પાંડવોએ ગુપ્ત વેશે રહેવાનો નિર્ણય કરી વિરાટ નગર તરફ જવાની તૈયારી થયા. 

          

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !