બોધ કથા । કાગડાની મુશ્કેલી ।
એક હતો કાગડો. જંગલમાં રહેતો હતો. પોતાના જીવનથી એકદમ સંતુષ્ટ હતો. એક દિવસ તેણે હંસને જોયું. હંસની સુંદરતા જોઇ કાગડો વિચારમાં પડી ગયો. કાગડાને લાગ્યું કે હંસ દુનિયાનું સૌથી સુખી પક્ષી હશે. હંસ કેટલું સુંદર છે અને હું તો કાળો છું. આ વિચારીને તે ચિંતામાં પડી ગયો. એટલે કાગડાએ તેની મનોવ્યથા હંસને કહી.
આ સાંભળી હંસે કહ્યું કે વાત સાચી છે પહેલા પણ એવું જ સમજતો હતો પણપછી મેં પોપટને જોયો. મને લાગ્યું કે તેના બે રંગ છે અને કેટલું સરસ મીઠું મીઠું બોલી શકે છે. મને લાગે છે કે પોપટ દુનિયાનું સૌથી સુંદર અને સુખી પક્ષી છે.
હંસની વાત સાંભળી કાગડો પોપટ પાસે ગયો અને આ બધી વાત તેણે પોપટને કહી. તો પોપટે કહ્યું કે ના ભાઈ એવું કાઈ નથી. સુંદર તો મોર છે. તેના રંગ-બેરંગી પીછા જોયા છે. તેને બધા જોવા આવે છે. રોજ તેને જોવા હજ્જારો લોકો આવે છે. હું નહી મોર સૌથી સુખી પક્ષી છે.
પોપટની આ વાત સાંભાળી કાગડો એક વિશાળ પાંજરામાં કેદ મોર પાસે ગયો. આગળની વધી વાત તેણે મોરને કહી....
આ બધી વાત સાંભળી ઊંડો શ્વાસ લઈ મોરે કાગડાને જે કહ્યું એ વાંચવા જેવું છે...
મોરે કહ્યું કે મારા સુંદર પીંછાઓને કારણે હું ઉપર ઊડી શકતો નથી અને આ પીંછાઓને કારણે કેટલાંક લોકો મારો શિકાર કરે છે. જે શિકાર નથી કરતા તે મને આ રીતે પાંજરમાં પૂરી દે છે. હું સ્વતંત્ર નથી. મારી સુંદરા મારી દુશ્મન છે. પણ સાચું કહ્યું હું કાગડાને આ પૃથ્વી પરનું સૌથી સુખી પક્ષી ગણું છું કેમ કે તેને કોઇ પાંજરામાં કેદ કરતું નથી.
મોરે કહ્યું કે હું કાગડો બનવા માંગુ છું અને આ સ્વતંત્ર આકાશમાં આનંદથી ઉડવા માંગુ છુ...
બોધ........
જીવનમાં ખુશ રહેવું હોય તો સ્વયંની તુલના કોઈની સાથે ન કરો. દુનિયામાં તમે એક જ છો, તમારા જેવું બીજું કોઈ નથી. આપણે ખોટી તુલનાઓ કરીને હેરાન અને દુઃખી થઈએ છીએ. માટે જેવું જીવન મળ્યું છે તેવું ભગવાનની ભેટ સમજી આનંદમાં જીવો અને સ્વયંની તુલના કોઇની સાથે ન કરો.....