ટૂંકી બોધકથા....
મહાભારતના યુદ્ધ દરમિયાન પોતાનાં પરાક્રમોથી અર્જુને કૌરવસેનામાં હાહાકાર મચાવી દીધો હતો. પરિણામે ક્યાંક ને ક્યાંક તેનામાં અભિમાન આવી ગયું હતું. યુદ્ધ દરમિયાન દરરોજ યુદ્ધમાંથી પાછા ફરતી વખતે ભગવાન શ્રીકૃષ્ણ સૌપ્રથમ રથમાંથી ઊતરી સારથિભાવે અર્જુનને ઉતારતા, પરંતુ યુદ્ધના અંતિમ દિવસે તેઓએ અર્જુનને પહેલાં રથમાંથી ઊતરી દૂર ચાલ્યા જવાનું કહ્યું. અર્જુને કચવાટ સાથે તેમ કર્યું. શ્રીકૃષ્ણ જેવા રથમાંથી નીચે ઊતર્યા કે તરત જ આખે-આખો રથ બળીને ભસ્મીભૂત થઈ ગયો. આ જોઈ અર્જુન તો આશ્ચર્યચકિત થઈ ગયો, ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું, પાર્થ, ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને કર્ણનાં દિવ્યાસ્ત્રોથી તારો રથ તો ક્યારનોય બળીને રાખ થઈ ગયો હતો, પરંતુ મારા સંકલ્પે તેને યુદ્ધ પૂરું થતાં સુધી જીવંત રાખ્યો હતો. થોડી ક્ષણો પહેલાં પોતાની શ્રેષ્ઠતાના મદમાં રાચતો અર્જુન નતમસ્તક. થઈ શ્રીકૃષ્ણના ચરણોમાં પડી ગયો અને પોતાના મિથ્યાભિમાન પર પસ્તાવો કરવા લાગ્યો. આપણે પણ સફળતા બાદ ક્યારેક ‘બધું જ મેં કર્યું છે’ના અભિમાનમાં રાચતા હોઈએ છીએ, પરંતુ વાસ્તવમાં આપણે તો નિમિત્ત માત્ર હોઈએ છીએ. કાર્ય કરનાર તો સર્વશક્તિમાન ભગવાન જ હોય છે. કાશ! અંદરનો અર્જુન આ સત્યને સમજી જાય.
(2) અર્જુનને શ્રી કૃષ્ણનો બોધ :
ક્યારેય અભિમાન ન કરવું અને દુશ્મનને નાના ન સમજવા, આ ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન.
મહાભારતનો એક કિસ્સો છે, જેમાં શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું હતું કે અભિમાન ન કરવું અને શત્રુને કદી નાનો ન સમજવો. એ પ્રસંગ પ્રમાણે મહાભારતના યુદ્ધમાં અર્જુન અને કર્ણ સામસામે આવી ગયા હતા.
અર્જુન અને કર્ણ બંને દૈવી શ-સ્ત્રો-થી લડતા હતા. જ્યારે પણ અર્જુનના તીર કર્ણના રથ પર વાગતા હતા ત્યારે કર્ણનો રથ ઘણો વધારે પાછળ ખસતો. બીજી તરફ જ્યારે પણ કર્ણના તીર અર્જુનના રથ પર વાગતા ત્યારે તેનો રથ થોડો જ પાછળ ખસતો.
જ્યારે કર્ણના તીર અર્જુનના રથ પર વાગતા હતા ત્યારે શ્રી કૃષ્ણ કર્ણની પ્રશંસા કરતા હતા, પરંતુ અર્જુનના તીર વખતે કશું બોલતા નહિ. શ્રી કૃષ્ણ દ્વારા કર્ણની પ્રશંસા સાંભળીને અર્જુનથી રહેવાયું નહિ. તેણે શ્રી કૃષ્ણને પૂછ્યું કે – કેશવ, જ્યારે મારો પ્રહાર કર્ણના રથ પર પડે છે, ત્યારે તેનો રથ ઘણો પાછળ ધકેલાય જાય છે, જ્યારે મારો રથ તેના પ્રહારને કારણે થોડો જ પાછો ધકેલાય છે. કર્ણના બાણ મારા કરતા ઘણા નબળા છે, છતાં તમે તેની પ્રશંસા કરો છો, આવું કેમ?
ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે હું તારા રથ પર છું, ઉપર ધ્વજ પર હનુમાનજી છે, શેષનાગે પોતે રથનાં પૈડાં પકડી રાખ્યાં છે, તેમ છતાં કર્ણના તીરથી આ રથ થોડો પાછળ ધકેલાય છે, તો તે ઘણી મોટી વાત છે. કર્ણના પ્રહારો નબળા નથી. આ સાંભળીને અર્જુનનો અહંકાર તૂટી ગયો.
શ્રી કૃષ્ણએ અર્જુનને શીખવ્યું કે આપણે ક્યારેય આપણી શક્તિનું અભિમાન ન કરવું જોઈએ અને દુશ્મનને ક્યારેય નાનો ન ગણવો જોઈએ.