શ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ.
ચોટીલાનો ઇતિહાસ.
ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે,
જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃતિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચુક્યું છે.
ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે.
જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતાં હોય છે.
ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે.
રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નં-8-એ પર વચ્ચે આવે છે ચોટીલા. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિ.મી અને રાજકોટથી આશરે 50 કિ.મી જેટલું થાય છે. સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ, ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફીટ જેટલી છે.
ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસ :
શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે.
દેવી ભાગવત અનુસાર હજારો વષૅ પહેલા અહિં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો. ત્યારે ઋષિ મુનીઓએ યગ્ન કરી આધ્યા શકિતમાંની પ્રાથૅના કરી ત્યારે આધ્યા શકિતમાંના હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહાશકિત પ્રગટ થયા. અને તે જ મહાશકિતએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કરેલ.
ત્યારથી તે જ મહાશકિત નું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ. અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પુરેલ છે. તેવી લોક વાયકાથી આજે પણ સાક્ષાત તેના ભકતજનો તપ અને ભકિત થી માં ચંડી ચામુંડા માતાજીની પુજા કરે છે.
એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુઋષિનો પણ આશ્રમ હતો.
ચામુંડા માતાજીને રણ-ચંડી (યુદ્ધની દેવી) તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમની છબિમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેમને ચંડી-ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબિમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે.
ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો. તે સમયે ડુંગર ચડવા પગથિયાં પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતાં. આશરે ૧પપ વર્ષ (વિક્રમ સંવત ૧૯૧૦ થી ૧૯૧૬) પહેલા મહંત શ્રી ગોસાઇ ગુલાબગિરી હરિગીરીબાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પુજા કરતાં અને મંદિરના વિકાસના કર્યો કરતાં હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પુજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કર્યો કરે છે.
શ્રી ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહીલ દરબારો, જુનાગઢ તરફના સોલંકી, ડોડીયા, પરમાર વગેરે કુળના રાજપૂતોના ચોટીલા વિસ્તારના ખાચર-ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજીયા સોની, દરજી, પંચાલ, ઉતર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્છના રબારી તથા આહીર સમાજ, દીવ – સોમનાથ-વેરાવળ તરફના ખારવા સમાજ, મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે.
શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ પ૩પ પગથીયા છે. જેમાં ચડવા તથા ઉતારવા માટેની અલગ – અલગ વ્યવસ્થા છે.
દર ૧૦૦ પગથીયા ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે. જેમાં કૂલીંગ સીસ્ટમથી સતત ઠંડુ પાણી મળી રહે છે. તદ ઉપરાંત પગથીયા ઉપર છેક સુધી રોડ (છાયડો) હોવાથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકોને કોઇ તકલીફ પડતી નથી અને સાથે સાથે પગથીયા ઉપર પંખાઓ પણ લગાવેલા છે.
વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રિ મહા, ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઇવે પર જાણે કે ધાર્મિક મિની કુંભમેળો ભરાયો હોય તેવાં રૂડાં ધાર્મિકસભર દ્રશ્યો જોવાં મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચઢી જાય છે.
જ્યારે અસંખ્ય માઇભક્તો આળોટતાં આળોટતાં કે દંડવત્ પ્રમાણ કરતાં ડુંગરનાં ૬૨૫ પગથિયાં સડસડાટ ચઢી જાય તે દ્રશ્ય જોઇને ભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે. ડુંગર તળેટીમાં પગથિયાં પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે માઇભક્તોને લાપસી-દાળભાત-શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે.
મંદિર વિષે ની રસપ્રદ માહિતી:
ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે.
અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો-પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રીના ઉપર કોઇ રોકાઇ શકતુ નથી. એક માત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્યકિતને ડુંગર ઉપર રાત્રી રહેવાની મંજુરી માતાજીએ આપી છે. ડુંગર પર મુખ્ય મંદિરમાં માતાજીના બે સ્વરૂપ છે. આ બે સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરેલો..
!! જય માતાજી !!